મુખ્યમંત્રીશ્રીએ વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે નવનિર્મિત સ્વામિનારાયણ ગુરુકુળનું ઉદ્દઘાટન કરી વિદ્યારંભ કરાવ્યો હતો. તેમની સાથે સંતોમહંતો અને મહાનુભાવો પણ જોડાયા હતા.
શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉક્ત સંદર્ભમાં ઉમેર્યું કે, આજના સમયમાં આવી સંસ્થાઓ આપણી ગુરુકુળ પરંપરાને આધુનિકતાની સાથે જોડીને વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ્ઞાન નહીં, પરંતુ જીવન ઘડતર માટેની મૂલ્યનિષ્ઠ, સંસ્કારયુક્ત તાલીમ પણ આપી રહી છે.
આધુનિક છાત્રાલય અને ટેક્નોલોજીથી સુસજ્જ સ્કૂલ કેમ્પસની સ્થાપનાથી શિક્ષણક્ષેત્રે એક નવી યાત્રા શરૂ થઈ રહી છે. સ્વામિનારાયણ સંસ્થાનું આ ગુરુકુળ, વિશિષ્ટ રીતે રાષ્ટ્રપ્રેમ, સંસ્કાર અને આધ્યાત્મના આધાર પર ઉજ્જવળ ભવિષ્ય માટેની પેઢી તૈયાર કરશે. તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
ધારાસભ્ય શ્રી શૈલેષભાઇ મહેતાએ કહ્યું કે, દર્ભાવતી નગરીની તાસીર જોઈને, અહીં આવું સંસ્કારયુક્ત શિક્ષણ આપતું ગુરુકુલ એક અત્યંત જરૂરી બાબત બની ગઈ હતી. સંસ્થા સંચાલક શ્રી કે. પી. સ્વામી અને શ્રી નૌતમ સ્વામી તથા શ્રી બાપુ સ્વામીના અધ્યક્ષ સ્થાને આ ગુરુકુલ આજે માત્ર ઉદ્ઘાટિત થયું નથી, પણ દર્ભાવતી નગરીના ભવિષ્ય માટે નવો અધ્યાય લખાયો છે.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા એ માત્ર શૈક્ષણિક સંસ્થા નથી, એ સંસ્કારનું ધામ છે. આવી આધુનિક ટેક્નોલોજીથી સુસજ્જ, સંસ્કારયુક્ત સંસ્થાઓ વિદ્યાર્થીઓને માત્ર ભણાવવામાં નહીં પરંતુ જીવવાની રીત શીખવવામાં યોગદાન આપે છે. વિદ્યાર્થીઓને અહીં આવવાનું મન થાય, અહીં ભણવાનું મન થાય અને ભણવાની સાથે ભારતીયતા, નૈતિકતા અને રાષ્ટ્રભાવના સાથે ઘડાવા મળે એ જ ગુરુકુલની સાચી સિદ્ધિ છે.
શ્રી નૌતમ સ્વામિએ સ્વામિનારાયણ ગુરુકુળની પ્રવૃત્તિની રૂપરેખા પ્રસ્તુત કરી હતી.
આ અવસરે શ્રી કે. પી. સ્વામિ, શ્રી હરિજીવન સ્વામિ, શ્રી નિર્લેપસ્વરૂપ દાસ સ્વામી, શ્રી વિષ્ણુસ્વરૂપ દાસ સ્વામી, શ્રી મોહનદાસજી મહારાજ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહિડા, સાંસદ શ્રી જસુભાઇ રાઠવા, ધારાસભ્ય શ્રી ડી. કે. સ્વામિ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઇ પટેલ, અગ્રણી શ્રી રસિકભાઇ પ્રજાપતિ સહિત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

