ઉતરાયણનો પર્વ નજીક આવતા જ ઉત્તર પ્રદેશના લખનઉમાંથી પરંપરાગત કારીગરો વડોદરા શહેરમાં આવી પહોંચ્યા છે. દર વર્ષે ઉતરાયણ પહેલાં લખનવી કારીગરો ખાસ કરીને માંજા દોરી સૂતવા માટે વડોદરા આવે છે અને અહીં પોતાની કારીગરી દ્વારા પતંગરસિયાઓ માટે ઉચ્ચ ગુણવત્તાની દોરી તૈયાર કરે છે.
સાદી દોરીની સરખામણીએ માંજા દોરીનું વિશેષ મહત્વ છે, કારણ કે આ દોરી પાણીમાં પલળતી નથી અને લાંબા સમય સુધી મજબૂત રહે છે. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં લખનવી કારીગરો દ્વારા પરંપરાગત પદ્ધતિથી માંજા દોરી સૂતી અને તૈયાર કરવામાં આવી રહી છે.
વડોદરા શહેરમાં છેલ્લા 40 વર્ષથી લખનવી માંજા મેકરો આ કામ સાથે જોડાયેલા છે. વર્ષોથી ગ્રાહકોનો વિશ્વાસ તેમની સાથે જોડાયેલો રહ્યો છે, જેના કારણે તેમની તૈયાર કરેલી માંજા દોરીની માંગ સતત વધી રહી છે.
માંજા દોરી સૂતવા માટે ઉપયોગમાં લેવાતો માંજા ખાસ વિવિધ સામગ્રી ભેળવીને તૈયાર કરવામાં આવે છે, જે 15 થી 20 મિનિટમાં તૈયાર થઈ જાય છે. નોંધનીય બાબત એ છે કે કાચ વગર પણ આ દોરી મજબૂત રીતે સૂતાઈ છે, જેથી કાચનો ઉપયોગ ન હોવાને કારણે પતંગરસિયાઓ કે અન્ય કોઈને પણ કોઈપણ પ્રકારની ઇજા કે તકલીફ પડતી નથી.
હોલસેલ વેપારીઓ તેમજ રિટેલરો પણ લખનવી કારીગરો પાસેથી તૈયાર માંજા દોરીની ફીરકીઓ ખરીદી પોતાના વેપાર માટે લઈ જાય છે. ઉતરાયણના તહેવારને લઈને શહેરમાં પતંગ અને દોરીના બજારમાં ખાસ રોનક જોવા મળી રહી છે.

