ડભોઇથી સંખેડાને જોડતા મુખ્ય માર્ગ પર આવેલી નર્મદા કેનાલ હાલ વાહનચાલકો માટે કાળ સમાન બની ગઈ છે. કરનેટ રોડ પર પસાર થતી આ કેનાલની બંને સાઈડની પારીઓ (પ્રોટેક્શન વોલ) સંપૂર્ણપણે તૂટી ગઈ હોવા છતાં નર્મદા નિગમના અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ જણાઈ રહ્યું છે.વારંવાર સર્જાતા અકસ્માતો, છતાં તંત્ર મૌન આ સ્થળે અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે. હજુ થોડા દિવસો પહેલા જ એક કાર અચાનક કેનાલમાં ખાબકી હતી, જેમાં સદનસીબે બે લોકોનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના બાદ પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિકોનો સવાલ છે કે શું તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે
હજારો લોકોના જીવ જોખમમાં આ માર્ગ ડભોઇ અને સંખેડા વચ્ચેનો મુખ્ય સંપર્ક માર્ગ છે. અહીંથી:
રોજના હજારો વાહનચાલકો પસાર થાય છે.
શાળા અને કોલેજે જતા સેંકડો વિદ્યાર્થીઓ આ જ રસ્તે અવરજવર કરે છે રાત્રિના સમયે પારી ન હોવાને કારણે અહીંથી પસાર થવું અત્યંત જોખમી બની જાય છે લોક માંગ: વહેલી તકે રેલિંગ લગાવવામાં આવે
કેનાલની આજુબાજુ બંને તરફ મજબૂત રેલિંગ લગાવવામાં આવે તો જ અકસ્માતો અટકાવી શકાય તેમ છે. વારંવાર રજૂઆતો કરવા છતાં નર્મદા નિગમના અધિકારીઓ કેમ મૌન સેવી રહ્યા છે તે એક મોટો પ્રશ્ન છે. હાલ તો નગરજનો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને એક જ સુર ઉઠ્યો છે કે, કોઈ માસૂમનો ભોગ લેવાય તે પહેલા વહેલી તકે અહીં પ્રોટેક્શન રેલિંગનું કામ પૂર્ણ કરવામાં આવે.

