વડોદરા શહેરમાં વધતી ગરમી વચ્ચે આગ લાગવાના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. આવી જ એક ઘટના મધરાત્રિના સમયે હરણી રોડ સ્થિત સંગમ રોડ નજીક બાલાજી પોઈન્ટ એપાર્ટમેન્ટમાં બની હતી, જ્યાં વીજ મીટરમાં શોર્ટ સર્કિટ થતા અચાનક આગ લાગી હતી.
મળતી માહિતી મુજબ મધરાત્રિના સમયે વીજ મીટરોમાં શોર્ટ સર્કિટ થતા ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી. અચાનક મોટો અવાજ સંભળાતા એપાર્ટમેન્ટના રહીશો ગભરાઈને તાત્કાલિક ઘરની બહાર દોડી આવ્યા હતા. વીજ મીટરોમાં આગ લાગતા સમગ્ર કોમ્પ્લેક્સમાં લાઈટો ગુલ થઈ ગઈ હતી અને આશરે 48 મકાનોમાં અંધારપટ છવાઈ ગયો હતો. જેના કારણે લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.
ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જોકે આગના કારણે વીજ મીટરો સાથે કોમ્પ્લેક્સનું વાયરિંગ બળીને ખાખ થઈ ગયું હતું.
આગ પર કાબુ મેળવ્યા બાદ પણ કલાકો સુધી વીજ પુરવઠો શરૂ ન થતા રહીશો ગરમી વચ્ચે પાણી અને વીજળી વિના મુશ્કેલીમાં મુકાયા હતા. રહીશોએ તાત્કાલિક વીજ પુરવઠો પુનઃ શરૂ કરવાની માંગણી પણ કરી હતી.
પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને આગનું કારણ માનવામાં આવી રહ્યું છે, જ્યારે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

