Nasvadi ટાઉનમાં ગુરુવારે સાંજે જલારામ મંદિરના મુખ્ય રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બાઇક આગળ અચાનક ભૂંડ દોડી આવતાં બે મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
મળતી માહિતી મુજબ, બંને મિત્રો બાઇક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે કોતરમાંથી અચાનક ભૂંડ રોડ પર દોડી આવ્યું હતું. જેના કારણે બાઇક સાથે અથડામણ થતાં બંને યુવકો રોડ પર પટકાયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક દોડી આવ્યા અને બંને ઇજાગ્રસ્તોને નસવાડી સરકારી દવાખાને ખસેડ્યા હતા, જ્યાં તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.
ડોક્ટરોએ જણાવ્યું કે એક યુવકને બંને હાથ અને એક પગમાં ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યારે બીજા યુવકને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થતા સાત ટાંકા લેવા પડ્યા હતા. સદનસીબે સમયસર સારવાર મળતા બંનેની સ્થિતિ હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાને પગલે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ટાઉન વિસ્તારમાં ભૂંડોનો ત્રાસ વધી ગયો છે અને રોડ પર લોકો કરતાં ભૂંડો વધુ દોડતા જોવા મળે છે. આ મુદ્દે અગાઉ ગ્રામ સભામાં ગ્રામ પંચાયત સમક્ષ ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હતી, છતાં હજુ સુધી ભૂંડોને હટાવવાની અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.
અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો સરકારી દવાખાને ઉમટી પડ્યા હતા અને તંત્ર સામે ભૂંડોને તાત્કાલિક હટાવવાની માંગ ઉઠાવી હતી. હવે ગ્રામજનોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે કોઈ નિર્દોષનો જીવ જાય પછી જ તંત્ર કાર્યવાહી કરશે કે સમયસર યોગ્ય પગલાં લેવામાં આવશે.

