વડોદરા શહેરના સ્થાપક અને દીર્ઘદ્રષ્ટા રાજવી સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની 164મી જન્મજયંતિ નિમિત્તે શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ અવસરે કીર્તિમંદિર ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન રાજવી પરિવારના સભ્યો, ખાસ કરીને રાજમાતા શુભાંગીદેવી ગાયકવાડ અને તેમના પરિવારજનો દ્વારા કીર્તિમંદિર સ્થિત સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પમાલા અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ શહેરના અગ્રણીઓ, સામાજિક આગેવાનો અને રાજકીય નેતાઓએ પણ પુષ્પાંજલિ અર્પણ કરી મહાન રાજવીને યાદ કર્યા હતા.
પરંપરા મુજબ કાર્યક્રમ અંતર્ગત ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ગાયન વિભાગના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ભજન સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો.
વડોદરાના વિકાસ, શિક્ષણ અને સંસ્કૃતિ માટે આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરી ઉપસ્થિત લોકોએ સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાને શ્રદ્ધાપૂર્વક નમન કર્યું હતું.

