આજે દેશના વડાપ્રધાન અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઇ મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ વડોદરાની મુલાકાતે છે. આજે વડોદરામાં ટાટા એરબસના એસેમ્બલી પ્લાન્ટનું ઉદ્ધાટન થનાર છે. આજનો દિવસ વડોદરા અને દેશ માટે ઐતિહાસીક છે. ત્યારે આજે સવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી 9-30 કલાકે વડોદરાના એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. ત્યાર બાદ તેમનું સ્વાગત, સત્કાર કરીને તેઓ રોડ-શો સ્વરૂપે ટાટા એરબસના એસેમ્બ્લી પ્લાન્ટ સુધી જવા નીકળ્યા છે. રોડ-શો દરમિયાન રૂટ પર વૈશ્વિક નેતાની એક ઝલક પામવા માટે લોકોમાં પડાપડી જોવા મળી રહી છે. ત્રીજી વખત દેશનું સુકાન સંભાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પ્રથમ વખત વડોદરા આવી રહ્યા છે. તેમની સાથે સ્પેનના વડાપ્રધાન પણ રોડ શોમાં જોડાયા છે.

