વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પર લગામ કસવા માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસે એક નવતર અભિગમ અપનાવ્યો છે. હવે ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહનચાલકોને સીધો મેમો ઘરે મોકલવામાં આવશે અને તેમને દંડ ભરવા માટે ટ્રાફિક શાખાની કચેરીએ રૂબરૂ બોલાવવામાં આવશે. આ પગલું ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા અને નિયમોનું પાલન કરાવવા માટે લેવામાં આવ્યું છે.ત્યારે અત્યાર સુધી ટ્રાફિક નિયમભંગ કરનારાઓને સ્થળ પર જ મેમો આપી દંડ વસૂલવામાં આવતો હતો અથવા ઈ-ચલણ મોકલવામાં આવતા હતા. જોકે, ઘણા કિસ્સાઓમાં દંડ ભરવામાં વિલંબ થતો હતો અથવા તો કેટલાક લોકો દંડ ભરવામાંથી છટકી જતા હતા. આ ઉપરાંત, ટ્રાફિક પોલીસ અને વાહનચાલકો વચ્ચે સ્થળ પર દંડ વસૂલતી વખતે થતી દલીલો અને ઘર્ષણને ટાળવા માટે પણ આ નવો અભિગમ મદદરૂપ થશે.

