પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા યોજાઇ
પાણીબાર રામટેકરી થી પાનવડ સુધી ઠેર ઠેર સ્વાગત કરાયું, ૧૦ કિલોમીટર લાંબી યાત્રા યોજાઇ
૧૩૮ - પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની અધ્યક્ષતામાં પાણીબાર રામટેકરી ધારાસભ્યના નિવાસસ્થાને થી ભીંડોલ ખાંટિયાવાટ રહી પાનવડ સુધી આમ લગભગ ૧૦ કિલોમીટર જેટલી લાંબી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રસ્તામાં આવતી વિવિધ શાળાના બાળકોએ તિરંગા યાત્રાનું સ્વાગત કર્યું હતું. ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ દરેક લોકોને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બની ઘર ઘર તિરંગો લહેરાવીને એકતા, સમરસતા તથા રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ પ્રબળ બનાવવા અનુરોધ કર્યો હતો. તેમજ તિરંગાનું માન સન્માન જળવાય રહે તે સાચવવા પણ સૌ ને આહવાન કર્યો હતું. પાણીબાર થી પ્રારંભ થયેલી રેલી પાનવડ નગરમાં ફરી પંચ પાંડેશ્વર મંદિર ખાતે પૂર્ણ થઈ હતી.
ધારાસભ્ય એ વધુમાં જણાવ્યું હતું કે, આખા દેશની અંદર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન થકી તિરંગા યાત્રા ખુબ ઉત્સાહ અને આનંદ સાથે નીકળી રહી છે ત્યારે દેશના પ્રધાનમંત્રી એ નક્કી કર્યું છે કે આખા દેશમાં ઉત્સાહ અને આનંદથી તિરંગા યાત્રા થાય અને હર ઘર તિરંગો લહેરાય. મહામુલી આઝાદી મેળવવા અનેક દેશભક્તોએ બલિદાન આપ્યા છે, ત્યારે સ્વતંત્રતા પર્વનો આ ઉત્સવ દરેક ભારતવાસી માટે મહામુલો છે. હર ઘર તિરંગા અભિયાન તથા તિરંગા યાત્રાના માધ્યમથી આવનારી પેઢીમાં દેશપ્રેમની ભાવના, સમાજમાં એકતા અને ભાઇચારાની ભાવનામાં વધારો થાય તે હેતુથી તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તિરંગો આપણી શાન છે ત્યારે આ જ ભાવના સાથે રાષ્ટ્રધ્વજને દરેક ઘર પર લહેરાવવામાં આવે તેવી અપીલ કરી હતી
આ તિરંગા યાત્રામાં છોટાઉદેપુર જિલ્લા સંગઠન પૂર્વ મહામંત્રી ગોવિંદભાઈ રાઠવા, કનલવા જિલ્લા પંચાયત સદસ્ય સુરેશભાઈ રાઠવા, પાવીજેતપુર તાલુકા પંચાયત પ્રમુખ મુકેશભાઈ રાઠવા, ભાજપના વરિષ્ઠ આગેવાન ગોવિંદભાઈ રાઠવા, સંગઠન મહામંત્રી ચંદ્રસિંહભાઈ કોળી, પાવીજેતપુર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ભરતભાઈ રાઠવા તેમજ મોટી સંખ્યામાં શાળાના બાળકો, શિક્ષકો, સામાજિક સંસ્થાના વડાઓ તેમજ કાર્યકર્તાઓ અને નાગરિકો ઉત્સાહભેર ભાગ લીધો હતો.

