વડોદરા શહેરના અકોટા દિનેશ મિલ ગરનાળા પાસે વગર વરસાદે પાણી પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે. અહીંથી પસાર થતું ગરનાળુ ભરાઈ ગયું છે.જ્યારે બીજી તરફ ઉભરાતી ગટરના દૂષિત પાણી માર્ગ પર ફરી વળતા લોકોમાં રોગચાળો ફેલાવવાની દહેશત ઉભી થઈ છે.
વડોદરા શહેરના અકોટા દિનેશ મિલ સામે આવેલી ગરનાળુ વગર વરસાદે ભરાઈ ગયું છે.આજે સવારથી આ નાળામાં તળાવ જેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. ગટરના ગંદા પાણીથી આ નાળુ ભરાઈ ગયું છે. વગર વરસાદે પણ નાળામાં આટલું પાણી જોઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.અલગ અલગ માધ્યમથી વારંવાર તંત્રને જાણ કર્યા બાદ પણ તંત્રના અધિકારીઓની આંખો ખુલતી નથી.અત્યાર સુધી આ નાડામાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. અનેક વખત સ્થાનિક વોર્ડ કચેરી કોર્પોરેટરોને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ આજ દિન સુધી ઉભરાતી ગટર અને આ ગરનાળાની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી.ત્યારે, સ્થળ પર પહોંચેલા કોંગ્રેસના અગ્રણી ચિરાગ સહાય આ મામલે જો વહેલી તકે સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો જન આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

