ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની રાજ્યમાં ‘જનજાતિય ગૌરવ વર્ષ’ તરીકે ખૂબ ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે, જે અંતર્ગત તા.૭મી નવેમ્બર, ૨૦૨૫ના રોજ અંબાજી તેમજ ઉમરગામ બંને રૂટ ઉપર એકસાથે શરૂ થયેલી યાત્રા રાજ્યના ૧૪ આદિજાતિ જિલ્લાઓમાં ફરીને આ જનજાતિય ગૌરવ યાત્રા એક ભારત, શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સાકાર કરતી ભૂમિ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવીને સંપન્ન થઈ છે. ઉમરગામથી એકતાનગર અને અંબાજીથી એકતાનગર માટે યોજાયેલી ગૌરવ યાત્રા તેના અંતિમ પડાવમાં સમાપન સમયે નર્મદા જિલ્લામાં પ્રવેશતા રાજપીપલામાં ગાંધીચોક ખાતે તેમજ તિલકવાડાની દેવલિયા ચોકડી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રાનું સરદાર સાહેબની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં સમાપન કરવામાં આવ્યું હતું.
જનજાતિય ગૌરવ યાત્રાના સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત સરકારના આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ આપણા આદિવાસી સમાજના જનનાયક ભગવાન બિરસા મુંડાની યાદીમાં આદિજાતિની અનેક યોજનાઓ અમલમાં મૂકી હતી. આપણો આદિજાતિ વિભાગ ગાંધીનગરના જે ભવનમાં ચાલે છે તે બિરસા મુંડા ભવનની ભેટ પણ તેઓના મુખ્યમંત્રીશ્રી તરીકેના કાર્યકાળ દરમિયાન મળ્યો હતો. પ્રધાનમંત્રીશ્રી તરીકેનો પદભાર સંભ્યા પછી દેશની આઝાદીમાં યોગદાન આપનારા મહાનાયકોને સન્માનિત કરવાનો અવસર પણ વડાપ્રધાનશ્રીએ પૂરો પાડ્યો છે. જેમાં ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિની અવસરે રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવામાં આવી રહી છે, જે આદિવાસી સમાજ માટે ગૌરવની અનુભૂતિ કરાવે છે. નર્મદા જિલ્લામાં વડામથક રાજપીપલા ખાતે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીનું નિર્માણ થયું અને વડાપ્રધાનશ્રીના હસ્તે ૩૦મી ઓક્ટોબરે વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું છે. જે આદિવાસી સમાજ માટે ગૌરવ લેવા જેવી બાબત છે.
આ ગૌરવ યાત્રાના સમાપન પ્રસંગે છોટાઉદેપુરના સાંસદશ્રી જશુભાઈ રાઠવા, દાહોદના સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર, જનજાતિ કલ્યાણ આશ્રમના શ્રી વિપુલભાઈ પટેલ, નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે ભગવાન બિરસા મુંડાજીના જીવન અને તેમના પ્રસંગો વિશે પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.
આ પ્રસંગે આદિવાસી વિદ્યાર્થીઓ તથા રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર રમતવીરો, વિવિધ યોજનાના સાભાર્થીઓ અને પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલા પ્રગતિશીલ ખેડૂતોને પ્રશસ્તી પત્રો/લાભોનું વિતરણ કરી મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

