વડોદરા શહેરમાં માનવ સેવા અને પરોપકાર માટે જાણીતી નિઃસહાય બ્લાઈન્ડ ચેરીટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા ધાબળા અને ડ્રેસ વિતરણનો સ્નેહસભર સેવા કાર્યક્રમ યોજાયો. ટ્રસ્ટના 35 વર્ષ પૂર્ણ થતા આ અવસરે માંજલપુરના અવધૂત ફાટક નજીક સ્થિત માનવધર્મ આશ્રમ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમ દરમ્યાન ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓમાં સતત યોગદાન આપી રહેલા કાર્યકરોને સન્માનિત કરવામાં આવ્યા. સાથે જ આશ્રમમાં નિવાસ કરતા 100 અંધજનોને ધાબળા અને અંધ બહેનોને નવા ડ્રેસનું વિતરણ કરવામાં આવ્યું, જેથી શિયાળાની ઋતુમાં તેમના માટે રાહતરૂપ બની રહે.
આ સેવા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે એ.વી. કાટકર, એસીપી–ડી ડિવિઝન, તથા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન માનવ સેવા માટે ટ્રસ્ટની સતત પ્રતિબદ્ધતા અને સમાજમાં આવા પરોપકારના કાર્યોની આવશ્યકતા પર ભાર મુકાયો.

