ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના યુવાનોમાં કૌશલ્યનો વિકાસ થાય અને તેઓ આત્મનિર્ભર બની શકે તે હેતુ સાથે ડભોઈ તાલુકા પંચાયત કચેરીના સભા હોલ ખાતે કૌશલ્ય વર્ધન તથા રોજગાર માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દીનદયાળ ઉપાધ્યાય (DDU) સંસ્થા દ્વારા આયોજિત આ નિશુલ્ક કૌશલ્ય તાલીમ અને રોજગાર યોજના અંતર્ગત યોજાયેલા કેમ્પમાં તાલુકાના અનેક યુવક-યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ તાલુકા વિકાસ અધિકારી (TDO) તેજલબેન રાણાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. તેમણે યુવાનોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં માત્ર શૈક્ષણિક ડિગ્રી પૂરતી નથી, પરંતુ ઉદ્યોગિક અને વ્યવસાયિક ક્ષેત્રે રોજગારી મેળવવા માટે ચોક્કસ પ્રકારના સ્કિલ કોર્સ કરવો અનિવાર્ય છે. ધોરણ 10 અને 12 પછી ઉપલબ્ધ વિવિધ ટેકનિકલ કોર્સ યુવાનો માટે રોજગારીના નવા દ્વાર ખોલે છે તેમ તેમણે જણાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન નિષ્ણાતોએ કારકિર્દીના વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. DDU સંસ્થાની દિપાલીબેન ઠાકોરે સંસ્થા દ્વારા ચલાવવામાં આવતા નિશુલ્ક તાલીમ કોર્સ અને તાલીમ પૂર્ણ થયા બાદ મળતી રોજગારીની તકો અંગે માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા અધિકારી જીતેન્દ્રભાઈ મકવાણાએ કૌશલ્ય તાલીમનું મહત્વ સમજાવી સરકારની વિવિધ યોજનાઓનો લાભ કેવી રીતે મેળવવો તેની માહિતી આપી હતી.
સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન અને સંચાલન તાલુકા અધિકારી શાહરૂખભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. કેમ્પના અંતે મોટી સંખ્યામાં હાજર રહેલા યુવાનોએ પોતાની શંકાઓનું સમાધાન કર્યું હતું તેમજ નિશુલ્ક તાલીમ અને રોજગારી માટે નોંધણી કરાવી હતી.

