વડોદરા માંજલપુર વિધાનસભા વિસ્તાર હેઠળ આવતા વડસર ગામમાં વિશ્વામિત્રી નદીના કિનારે થયેલા બાંધકામને લઈ ભારે વિવાદ ઊભો થયો છે. વણકરવાસ, શ્રીજી ફ્લેટ્સ અને સાઈ વિલા વિસ્તારમાં રહેતા રહીશોએ ‘દર્શનમ બિલ્ડર’ના પ્રોજેક્ટ સામે ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો છે.
સ્થાનિક રહીશોના ગંભીર આક્ષેપ મુજબ બિલ્ડર દ્વારા વિશ્વામિત્રી નદીના સંરક્ષિત ઝોનમાં નિયમોની અવગણના કરીને ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત વર્ષોથી ઉપયોગમાં રહેલા જાહેર રસ્તા પર કબજો જમાવી લોકોને અવરજવરથી વંચિત કરવામાં આવી રહ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
રહિશોએ વધુમાં જણાવ્યું છે કે વિરોધ વ્યક્ત કરતા તેમને ધમકીઓ આપવામાં આવી રહી છે, જેનાથી વિસ્તારના લોકોમાં ભય અને અસુરક્ષાની લાગણી ફેલાઈ છે. આ સમગ્ર મામલે રહીશોએ વડોદરા મહાનગરપાલિકા તેમજ જિલ્લા કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરી તાત્કાલિક તપાસ અને ગેરકાયદેસર દબાણ દૂર કરવાની માંગ કરી છે.
રહિશોએ ચીમકી આપી છે કે જો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, જાહેર જગ્યા મુક્ત કરવામાં નહીં આવે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત નહીં થાય, તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
આ મામલે તંત્ર શું કાર્યવાહી કરે છે તે તરફ સમગ્ર વિસ્તારની નજર મંડાયેલી છે.

