વડોદરા મહાનગરપાલિકાની વડા કચેરી ખાતે આજે સ્વચ્છતા તેમજ ચાલી રહેલા અને આવનારા વિકાસકાર્યો અંગે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર, સેનેટરી ઇન્સ્પેક્ટર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.
બેઠક દરમિયાન અધિકારીઓને સ્વચ્છતા કામગીરીમાં 100 ટકા અસરકારકતા સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી. મુખ્ય માર્ગોની સાથે સાથે ગલીઓમાં પણ નિયમિત સફાઈ થાય તે માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાત્રિ સફાઈની કામગીરી વધુ મજબૂત બનાવવા પણ સૂચન કરાયું હતું.
હાલ શહેરમાં મોટા પ્રમાણમાં નવી ગટર લાઈનો નાખવાની કામગીરી ચાલી રહી હોવાથી નાગરિકોને સહકાર આપવા મ્યુનિસિપલ કમિશનરે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વર્ષો બાદ નાની લાઈનોની જગ્યાએ મોટી ક્ષમતાની લાઈનો નાખવામાં આવી રહી છે, જેથી લાંબા ગાળે શહેરને મોટો ફાયદો થશે. આ કામગીરી દિવસ-રાત ચાલુ રાખીને વહેલી તકે પૂર્ણ કરવાની દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
આ બેઠકમાં પાર્કિંગ, ટ્રાફિક વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર પણ ચર્ચા કરી સમીક્ષા લેવામાં આવી હતી. ઉપરાંત આવનારા સમયમાં હાથ ધરવામાં આવનારા વિકાસકાર્યો અને હાલ ચાલી રહેલી કામગીરી અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હોવાનું મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું.

