વડોદરાની ઇન્કમટેક્સ ઓફિસની બહાર વિવિધ પ્રશ્નોને લઈને ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઇન્કમટેક્સ ગ્રેજેટ ઓફિસર એસોસિએશન અને ઇન્કમટેક્સ એમ્પ્લોઇઝ ફેડરેશન ગુજરાતના સંયુક્ત આયોજન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો.
ધરણા કાર્યક્રમ ઇન્કમટેક્સ ગ્રેજેટ ઓફિસર એસોસિએશનના પ્રમુખ એચ.એસ.એન. શિવકુમાર અને ઇન્કમટેક્સ એમ્પ્લોઇઝ ફેડરેશન ગુજરાતના જોઇન્ટ સેક્રેટરી જનક જોશીની આગેવાની હેઠળ યોજાયો હતો. કર્મચારીઓએ સૂત્રોચાર સાથે પોતાના પ્રશ્નોને લઈને વિરોધ નોંધાવ્યો હતો.
આંદોલનકારીઓએ ભારતીય આવકવેરા વિભાગના વિવિધ મુદ્દાઓ અંગે માંગણીઓ રજૂ કરી હતી, જેમાં કેડર રિવ્યૂ અને રિસ્ટ્રક્ચરિંગનો અમલ, નોન-આઈઆરએસ કેડરના કર્મચારીઓ માટે કારકિર્દી પ્રગતિ સુનિશ્ચિત કરવી, 2014 બેચ અને ત્યારબાદના PR IRS અધિકારીઓના પ્રમોશનમાં આવેલા ડેડલોકનું નિરાકરણ, તેમજ 01.01.2014થી આગળના સમયગાળા માટે આઈટીઓ માટે ઓલ ઇન્ડિયા ઇન્ટર-સે સિનિયરિટી લિસ્ટ તૈયાર કરવાની માંગ સામેલ હતી.
તેમજ ACIT પ્રમોશન માટે DPCને પ્રસ્તાવ મોકલવો, ભારતીય આવકવેરા સેવા નિયમોમાં જરૂરી ફેરફારો કરવાના, ઇન્સ્પેક્ટર, ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ અને ટેક્સ અસિસ્ટન્ટની ભરતી નિયમોમાં સુધારા લાવવાના, અદાલતી ચુકાદાઓને ધ્યાનમાં રાખીને ઇન્ટર-ચાર્જ ટ્રાન્સફર પોલિસીમાં ફેરફાર કરવાનો તથા નોન-ગેઝેટેડ કર્મચારીઓની ફરજો સ્પષ્ટ રીતે નક્કી કરવાની માંગ પણ કરવામાં આવી હતી.
આ સાથે ITBA અને અન્ય મોડ્યુલ્સમાં જવાબદારીઓ સ્પષ્ટપણે સોંપવાની બાબત પણ ઉઠાવવામાં આવી હતી. માંગણીઓનો યોગ્ય નિવેડો નહીં આવે તો આગળ પણ આંદોલન તેજ કરવાની ચેતવણી આપવામાં આવી હતી.

