ડેસર પોલીસનો મોટી કાર્યવાહી: કણતનના કોથળાની આડમાં દારૂ ભરેલી આઇસર ગાડી ઝડપી, લાખો રૂપિયાનો જથ્થો જપ્ત
વડોદરા: જિલ્લાના ડેસર તાલુકાના રાયપુરા-છત્રપુરા વચ્ચે વહેલી સવારે મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે મોટી કાર્યવાહી કરી કણતનના કોથળાની આડમાં છુપાવીને લાવવામાં આવતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી મુજબ ડેસર પોલીસ સ્ટેશનના પીઆઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ દ્વારા રાયપુરા અને છત્રપુરા વચ્ચે વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન બાતમી મુજબ એક શંકાસ્પદ આઇસર ગાડી (નં. GJ 16W 8057) આવતા પોલીસ દ્વારા રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પોલીસને જોતા આઇસર ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે પીછો કરીને આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે કણતનના કોથળાની આડમાં ગેરકાયદેસર રીતે ભરેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ પેટીઓ કુલ 249 નંગ તેમજ બિયર સહિતનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો.
પકડાયેલા આરોપીઓમાં રાજુભાઈ પર્વતભાઈ પરમાર (રહે. હેમરાજપુરા કુવા વાળું ફળિયું, તા. ઉમરેઠ, જી. આણંદ), રસિકભાઈ છગનભાઈ પરમાર (રહે. ભાથીજી વાળું ફળિયું, સામરખા, તા-જી. આણંદ) તથા ભરતભાઈ પરમાર (રહે. સામરખા, તા-જી. આણંદ)નો સમાવેશ થાય છે. આરોપીઓ પોતાના આર્થિક ફાયદા માટે કોઈ પાસ-પરમિટ વિના ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે દારૂ અને બિયર સહિત અંદાજે રૂ. 16,15,488ના જથ્થા સાથે વાહન સહિત કુલ રૂ. 24,61,488 જેટલો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર મામલે ડેસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આરોપીઓના અન્ય જોડાણ અંગે વધુ તપાસ ચાલુ છે.

