વડોદરા શહેરની ગોત્રી મેડિકલ કોલેજ ખાતે અચાનક પ્રચંડ બ્લાસ્ટનો અવાજ સંભળાતા હોસ્પિટલ અને કોલેજ પરિસરમાં હડકંપ મચી ગયો હતો. મળતી માહિતી મુજબ કોલેજના ચોથા માળે લેબની બહાર સાઈડના આઉટડોર વિસ્તારમાં આ ઘટના બની હતી.
બ્લાસ્ટનો અવાજ એટલો તીવ્ર હતો કે સમગ્ર હોસ્પિટલ અને કોલેજના સ્ટાફ, વિદ્યાર્થીઓ તેમજ દર્દીઓ ભયભીત થઈ નીચે દોડી આવ્યા હતા. શરૂઆતમાં બ્લાસ્ટ ચોક્કસ કયા સ્થળે થયો તેની સ્પષ્ટ માહિતી નહોતી મળી, જેના કારણે થોડો સમય ગભરાટનો માહોલ સર્જાયો હતો.
સદનસીબે ઘટનાના સમયે ત્રીજા માળે પરીક્ષા ચાલી રહી હતી, છતાં કોઈ જાનહાનિ અથવા ઇજાના સમાચાર સામે આવ્યા નથી. ઘટના અંગે જાણ થતાં જ હોસ્પિટલના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયો હોવાની વિગતો સામે આવી રહી છે. સમયસર યોગ્ય સર્વિસિંગ કરવામાં આવી હોત તો આવી ઘટના ટાળી શકાત, તેવી ચર્ચા પણ ચાલી રહી છે.
ઉનાળાની ઋતુ નજીક આવતા હોસ્પિટલ અને મેડિકલ કોલેજના મશીનરી અને સાધનોની નિયમિત સર્વિસ અને સુરક્ષા ચકાસણી કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી હોનારત સર્જાય નહીં.

