રામનવમી તહેવારને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરમાં પોલીસ તંત્ર દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને સતત પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.
આ સંદર્ભે ભૂતડી ઝાંપા મેદાન ખાતે પોલીસ દ્વારા એરિયા ડોમિનેશન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પોલીસ તંત્ર દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ડ્રોન, સીસીટીવી અને બોડી વોર્ન કેમેરા દ્વારા સમગ્ર શહેર પર નજર રાખવામાં આવશે. સાથે જ ધાબા પોઇન્ટ અને ડીપ ધાબા પોઇન્ટ પર કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
શહેરમાં કુલ 23 સ્થળોએ ભગવાન શ્રીરામની શોભાયાત્રા નીકળવાની છે, જેને ધ્યાનમાં રાખીને ડીસીપી, એસીપી સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
પોલીસે જણાવ્યું છે કે તહેવાર દરમિયાન કોઈપણ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ મહાપ્રસાદ અને ભંડારા જેવા કાર્યક્રમો દરમિયાન પણ પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક રહેશે, જેથી તહેવાર શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે ઉજવાઈ શકે.

