વડોદરા શહેરના અમિતનગરથી સમા તરફ જતાં મુખ્ય માર્ગ પર અકસ્માતની ઘટના સામે આવી છે. નશાની હાલતમાં કાર ચલાવતા ડ્રાઈવરે કાબૂ ગુમાવતા ગાડી ડિવાઈડર પર ચડી ગઈ હતી.
મળતી માહિતી મુજબ મેડિકલ સ્ટોર સાથે સંકળાયેલ એક ડ્રાઈવર કાર ચલાવી રહ્યો હતો. દરમિયાન તે નશાની હાલતમાં હોવાનું જણાવાઈ રહ્યું છે. ગાડી પરનો કાબૂ ગુમાવતા કાર સીધી રોડના ડિવાઈડર પર ચડી ગઈ હતી.
અકસ્માત દરમિયાન રસ્તા પરથી પસાર થઈ રહેલા બે વાહનચાલકોનો સદનસીબે આબાદ બચાવ થયો હતો. ઘટનાના પગલે આસપાસના લોકો પણ સ્થળ પર એકત્રિત થયા હતા.
ઘટનાની જાણ થતા હરણી પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે કારચાલકની ધરપકડ કરી તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

