વડોદરા: શહેરના આજવા ચોકડી વિસ્તારમાં આવેલા કાના હાઈટ્સ બિલ્ડિંગની નીચે આવેલા બ્લિકેટ સ્ટોરમાં ડિલિવરી બોય તરીકે કામ કરતા એક યુવકની એકટીવા ચોરી થવાની ઘટના સામે આવી છે. યુવકે કામ દરમિયાન પાર્કિંગમાં પોતાની એકટીવા મૂકેલી હતી, ત્યારે અજાણ્યો ચોર વાહન ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
આ સમગ્ર ઘટના ત્યાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેનાં ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. સીસીટીવીમાં સ્પષ્ટ રીતે ચોર એકટીવા લઈને નીકળી જાય છે, તેમ છતાં ચોરીને અટકાવવા કોઈ રોકટોક થતી જોવા મળતી નથી.
આ ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં સતત વધી રહેલી વાહન ચોરીની ઘટનાઓને પગલે પોલીસ પેટ્રોલિંગ પર અનેક સવાલો ઊભા થયા છે. લોકોનું કહેવું છે કે જો રાત્રિ અને દિવસ દરમિયાન નિયમિત પેટ્રોલિંગ કરવામાં આવતું હોય તો આવી ચોરીઓ કેમ સરળતાથી બની રહી છે?
પીડિત યુવકે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે ચોરની ઓળખ કરીને તેને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે. જોકે, આવી ઘટનાઓ ફરી ન બને તે માટે વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી રહી છે.

