પરંપરા, સંસ્કૃતિ અને સૌહાર્દનો અનોખો સંગમ જોવા મળ્યો
વડોદરા શહેરમાં ચિતપાવન બ્રાહ્મણ સંઘ તથા ચિતપાવન બ્રાહ્મણ મહિલા મંડળ – વડોદરા દ્વારા પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરતો હળદી-કુમકુમનો ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
શહેરના સારા ગણદેવી કર જ્વેલર્સ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ અને સન્માન સાથે આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું. સમાજની મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી અને પરંપરાગત હળદી-કુમકુમ વિધિ સાથે સમગ્ર વાતાવરણ સૌહાર્દપૂર્ણ બની ગયું હતું.
આ પ્રસંગે મહિલાઓ માટે ફેશન શો, વિવિધ રમૂજી તથા સાંસ્કૃતિક સ્પર્ધાઓ અને મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રંગબેરંગી પરિધાનો અને ખુશીના માહોલ વચ્ચે હોલ ઉત્સવમય દ્રશ્યથી છવાઈ ગયો હતો.
કાર્યક્રમ દરમિયાન આયોજિત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓથી આનંદ અને ઉમંગની લાગણી પ્રસરી હતી. આ સમગ્ર આયોજન દ્વારા સમાજની મહિલાઓ વચ્ચે એકતા, સંસ્કૃતિ અને પરંપરાનું સુંદર પ્રતિબિંબ જોવા મળ્યું હતું.

