વડોદરા: ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે વડોદરા શહેરમાં ફરી એકવાર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ સ્થાનિક પોલીસને ઊંઘતી ઝડપી પાડી છે. સમા પોલીસ મથકની હદમાં આવતા દુમાડ ક્રોસ રોડ પાસે આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડી પોલીસે જમીનમાંથી છુપાવવામાં આવેલો દારૂનો જથ્થો શોધી કાઢ્યો હતો.
બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે દુમાડ ક્રોસ રોડ સ્થિત સરોજબેન ભલાભાઈ માળીના મકાનમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન મકાનની અંદર અંડરગ્રાઉન્ડ ભોંયરું મળી આવ્યું હતું, જેમાં અત્યંત ચતુરાઈથી વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હતો.
ઘરની અંદર ભોંયરું બનાવીને આટલા મોટા પાયે ચાલતા દારૂના કાળા કારોબારની જાણ સ્થાનિક સમા પોલીસને કેમ ન થઈ તે અંગે અનેક સવાલો ઊભા થયા છે.
અગાઉ પણ વડોદરામાં અનેકવાર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડીને સ્થાનિક પોલીસની નિષ્ફળતા સામે આવી ચૂકી છે. હાલ સમગ્ર મામલે સમા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

