નાગરિકો પોતાની કિંમતી ચીજવસ્તુઓની સુરક્ષા માટે બેંકની લોકર સુવિધા પર ભરોસો રાખતા હોય છે. પરંતુ વડોદરા શહેરમાં બેંક લોકરની સુરક્ષા પર પ્રશ્નચિહ્ન ઊભું કરતી એક ઘટના સામે આવી છે, જેમાં ગ્રાહકના લોકરમાંથી સોનાના દાગીના ગાયબ થયાની ફરિયાદ નોંધાઈ છે.
વાઘોડિયા રોડ પર આવેલી કોસ્મોસ કો-ઓપરેટિવ બેંકમાં ખાતું ધરાવતા નરેન્દ્રભાઈ શાહ બેંકની લોકર સુવિધાનો ઉપયોગ કરતા હતા. તેમના 1212A નંબરના લોકરમાં સોનાની બંગડી, લગડી, ચેન, બ્રેસલેટ, લકી સહિત આશરે 10 સિક્કા તેમજ ચાંદીના દાગીના સુરક્ષિત રીતે મૂકેલા હતા.
આજે નરેન્દ્રભાઈ શાહ પોતાની પત્ની સાથે લોકરમાંથી દાગીના કાઢવા ગયા હતા. ત્યારે લોકરની અંદર રાખેલી એલ્યુમિનિયમ પેટીનું તાળું ગાયબ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. શંકા જતા પેટી તપાસતા સોના-ચાંદીના દાગીનાઓમાંથી સોનાના તમામ દાગીના ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું.
આશરે 35 તોલા જેટલા સોનાના દાગીના ગુમ થતાં નરેન્દ્રભાઈએ બેંકના કર્મચારીઓ અને મેનેજરને પૂછપરછ કરી હતી. જોકે મેનેજર દ્વારા કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો ન હતો અને મામલો અંદરોઅંદર સમજી લેવા સૂચન કરવામાં આવ્યું હોવાનું ગ્રાહકે જણાવ્યું છે.
ઘટના અંગે નરેન્દ્રભાઈ શાહે બાપોદ પોલીસનો સંપર્ક કર્યો છે. પોલીસ દ્વારા મામલાની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
અત્રે નોંધનીય છે કે નાગરિકો બેંક લોકરને અત્યંત સુરક્ષિત માની પોતાના જીવનભરની બચત સમાન દાગીના therein મૂકે છે. બેંકમાં 24 કલાક સિક્યુરિટી હોવા છતાં કોઈ લોકરમાંથી દાગીના ગાયબ થવાની ઘટના અનેક પ્રશ્નો ઊભા કરે છે.

