વડોદરામાં વન્યજીવન સુરક્ષા સંબંધિત એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સયાજીબાગના કર્મચારી હરિ રાઠવાના ઘરે પ્રતિબંધિત સૂર્યમુખી કાચબા મળતા ખળભળાટ મચી ગયો છે. મળેલ કાચબા વન્યજીવન સંરક્ષણ અધિનિયમ હેઠળ શિડ્યૂલ–એમાં આવતા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જેમાં ત્રણ વર્ષ સુધીની સજા તથા ત્રણ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.
મળતી માહિતી મુજબ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના અગ્રણીએ હરિ રાઠવાના ઘરે દરોડો પાડ્યો હતો, જ્યાંથી સૂર્યમુખી કાચબા મળી આવ્યા હતા. આ અંગે તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
આ મામલે હરિ રાઠવાએ પોતાનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, “આ કાચબા અમને નજીકમાંથી મળ્યા હતા.” જોકે વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટના અગ્રણીએ સ્પષ્ટ કર્યું હતું કે આ પાણીના કાચબા નથી, પરંતુ પહાડી સૂર્યમુખી કાચબા છે, જે અત્યંત દુર્લભ અને સંરક્ષિત પ્રજાતિમાં આવે છે.
હવે વન વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે કે આ કાચબા સયાજીબાગમાંથી લાવવામાં આવ્યા છે કે કેમ. જો તપાસમાં સાબિત થાય કે સયાજીબાગમાંથી જ આ કાચબા બહાર લાવવામાં આવ્યા છે, તો તે એક ગંભીર મુદ્દો બનશે અને મોટો પ્રશ્ન ઊભો થશે કે શું સયાજીબાગના કર્મચારીઓ જ વન્ય પ્રાણીઓની તસ્કરીમાં સંડોવાયેલા છે?
આ સમગ્ર મામલે વન વિભાગની તપાસ બાદ જ સાચી હકીકત બહાર આવશે, પરંતુ હાલ તો આ ઘટનાએ વડોદરામાં વન્યજીવન સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા કરી દીધા છે.

