વડોદરા: ચિતપાવન બ્રાહ્મણ સંઘ અને ચિતપાવન બ્રાહ્મણ યુવા મંચ – વડોદરા દ્વારા દાંડિયા બજાર સ્થિત માણેકરાવ અખાડા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક સેવાભાવના હેતુથી આયોજિત આ કેમ્પમાં સમાજના સભ્યો તથા યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
વડોદરા શહેરમાં યોજાયેલા આ કાર્યક્રમ અંગે યુવા મંચ કમિટી સભ્ય શ્રી કલ્પેશ જોશીએ જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા વર્ષ દરમિયાન વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું નિયમિત આયોજન કરવામાં આવે છે, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ મહત્વપૂર્ણ સેવા પ્રવૃત્તિ તરીકે ગણાય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મકરસંક્રાંતિ બાદ રથસપ્તમી સુધી ચાલતા પરંપરાગત ઉત્સવ દરમ્યાન સૌભાગ્યવતી મહિલાઓ હળદી-કુમકુમના કાર્યક્રમ દ્વારા પરસ્પર મુલાકાત અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરે છે. આધુનિક સમયમાં મહિલાઓ વ્યસ્ત જીવનશૈલીને કારણે ઘરે અલગથી કાર્યક્રમ ઉજવી શકતી ન હોવાથી સંસ્થા દ્વારા સામૂહિક આયોજન કરવામાં આવે છે.
આ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ શ્રી દત્તાત્રેય દાંડેકરજીએ જણાવ્યું હતું કે ચિતપાવન બ્રાહ્મણ સંઘ છેલ્લા ૪૯ વર્ષથી વડોદરામાં કાર્યરત છે અને હાલમાં સંસ્થા પોતાના ૫૦મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. નજીકના ભવિષ્યમાં સુવર્ણ જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી પણ કરવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે સંસ્થા મહારાષ્ટ્રિયન ચિતપાવન બ્રાહ્મણ સમાજ માટે ધાર્મિક, બૌદ્ધિક અને સમાજોપયોગી કાર્યક્રમોનું આયોજન કરતી રહી છે અને આગામી વર્ષમાં યોજાનારા વિશેષ કાર્યક્રમોમાં સમાજના તમામ સભ્યોને સક્રિય ભાગ લેવા ભાવભીનુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

