આમ તો પોલીસ શબ્દ સાંભળતા જ ગુનેગારોના મનમાં ફાફડાટ થઇ જતો હોય છે. કેમ કે લોકોની સુરક્ષા કરવી એ પોલીસની પ્રથમ ફરજ છે. અને સુરક્ષાની સાથે સાથે સમાજ સેવા ધર્મ નિભાવવામાં પણ પોલીસનું નામ મોખરે આવે છે. અનેક અધિકારીઓની ફરજના અસંખ્ય કિસ્સાઓ સામે છે. ત્યારે એવો જ એક કિસ્સો છોટાઉદેપુરના કર્મનીષ્ઠ અધિકારી પ્રોબેશનર પીએસઆઇ આર એમ વાળાનો છે.
આજ રોજ પ્રોબેશનર પીએસઆઇ રવિરાજસિંહ એમ વાળા પોતાની નોકરી પરથી પરત એટલે કે બોડેલી પોલીસ સ્ટેશનથી છોટાઉદેપુર આવતા હતા. એ સમયે ઘેલવાંટ ગામ નજીક રસ્તા પર એક પરિવાર બેભાન સ્થિતિમાં પડેલ હતો. જેમાં એક 40 વર્ષના પુરુષ એક 35 વર્ષના મહિલા અને એક આશરે 15 વર્ષની બાળકી. જેમાં સ્થળ પર આ પરિવારને કોઈ અજાણ્યા ઈસમ અકસ્માત કરીને નાસી ગયેલ હતા. એ વખતે વાળા સાહેબ તાત્કાલિક પોતાની સરકારી બોલેરો ઉભી રાખીને સ્થળ પર દોડી જાય છે. અને એ જ વખતે એ પરિવાર લોહીથી તરબોળ પરિસ્થિતિમાં પડેલ હોય છે.”કોઈ મદદ કરો કોઈ મદદ કરો ” ના અવાજથી પરિવારના એક સભ્ય અર્ધ સભાન અવસ્થામાં અરજી કરે છે. પરંતુ સ્થળ પર કોઈ ઉભું રહેતું નથી. એ વખતે પ્રોબેશનર પીએસઆઇ સાહેબ તાત્કાલિક પોતાનો રૂમાલ કાઢી બાળકીના માથા પરથી વહેતા લોહી પર બાંધે છે. અને લોહી વહેતુ અટકાવી તાત્કાલિક પોતાના મોબાઈલથી એમ્બ્યુલન્સને કોલ કરી બોલાવે છે. અકસ્માત થયેલ પરિવારને ઊંચકીને એમ્બ્યુલન્સમાં બેસાડી તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી અને પરિવારના સભ્યોનો જીવ બચાવે છે. એટલું જ નહીં એમ્બ્યુલન્સની પાછળ પોતે પણ હોસ્પિટલ પહોંચી અને દર્દીની તબિયત ચકાસી અને તેઓને તમામ પ્રકારે મદદ માટે કહી પોતાની ફરજ અને સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે.

