વડોદરામાં મહાવિનાશક પૂરથી થયેલા નુકસાનનું પૂરેપૂરું વળતર આપવાની માંગણી સાથે આજે શહેરના પ્રતાપનગર વિસ્તારમાં અલ્પના ટોકીઝ પાસે અસરગ્રસ્તો સાથે કોંગ્રેસે દેખાવો યોજયા હતા, અને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. આર્થિક સહાયના નામે ગુજરાત સરકાર દ્રારા વડોદરાના વિવિધ વિસ્તારના લોકોને લોલીપોપ આપેલ છે એવો આક્ષેપ કરીને રહીશોએ વેદના વ્યક્ત કરી હતી કે જરૂરિયતમંદોને આર્થિક સહાય તાત્કાલીક મળેએ જરૂરી છે.
દિવાળીનો તહેવાર નજીકમાં છે અને લોકો પાસે દિવાળી ઉજવવાના પૈસા પણ નથી. બધું વિનાશક પૂરમાં ખલાસ થઈ ગયું છે. હાથમાં પ્લે કાર્ડ લઈને તંત્ર વિરુદ્ધ સૂત્રોચાર કરી પૂરપીડીતોએ પોતાની વેદના વ્યક્ત કરી હતી. ગરીબોને ન્યાય આપવા, પૂર અસરગ્રસ્તોને અન્યાય નહીં કરવા અને સહાયના નામે ભ્રષ્ટાચાર બંધ કરવાની માંગણી કરી હતી.

