વડોદરાના માંજલપુર વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતની સૌથી મોટી ગણાતી હોળી પ્રજ્વલિત કરવાની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. હોળી પર્વને લઈને ગામના યુવાનો, બાળકો અને મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સમગ્ર વિસ્તારમાં તહેવારનો માહોલ છવાઈ ગયો છે.
સ્થાનિક પરંપરા મુજબ હોળીની તૈયારીઓ લગભગ 15 દિવસ અગાઉથી શરૂ કરવામાં આવે છે. બાળકો અને યુવાનો અલગ-અલગ વિસ્તારોમાંથી લાકડા તથા અન્ય સામગ્રી એકત્રિત કરે છે, જ્યારે ગ્રામજનો પણ સ્વૈચ્છિક રીતે લાકડા અને ભંગાર સામગ્રી આપી સહભાગી બને છે.
હોળીના દિવસે સાંજે ગામમાં પરંપરાગત રેલી કાઢવામાં આવે છે, જે હોળી સ્થળે પહોંચ્યા બાદ વિધિપૂર્વક હોલિકા દહન કરવામાં આવે છે. ત્યારબાદ સમગ્ર ગામ દ્વારા પૂજન-અર્ચન કરી અનિષ્ટ પર ઇષ્ટના વિજયની પ્રાર્થના કરવામાં આવે છે. હોળીમાં નારિયેળ, ખજૂર, ધાણી અને ચણા જેવી સામગ્રી હોમવાની વર્ષોથી ચાલતી પરંપરા પણ અહીં આજે પણ જળવાઈ છે.
આ હોળીની વિશેષતા એ છે કે તેની જ્વાળાઓ અંદાજે 32 થી 35 ફૂટ સુધી ઊંચી જાય છે અને અગ્નિ ચારથી પાંચ દિવસ સુધી પ્રજ્વલિત રહે છે, જેના કારણે તેને રાજ્યની સૌથી મોટી હોળી તરીકે ઓળખ મળે છે.
આ વર્ષે ચંદ્રગ્રહણના કારણે હોલિકા દહનની તારીખ અંગે ચર્ચા વચ્ચે પંચાંગ મુજબ 2 માર્ચની સાંજે હોળી પ્રજ્વલિત કરવામાં આવશે, જ્યારે ધૂળેટી 4 માર્ચે ઉજવાશે.
આમ, માંજલપુરમાં ભવ્ય હોળી પ્રજ્વલિત થવા જઈ રહી છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવનો માહોલ જોવા મળી રહ્યો છે.

