વડોદરા: વૈષ્ણવ આચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજ કુમાર મહોદય શ્રીની અધ્યક્ષતામાં વૈષ્ણવ સંપ્રદાયના 550 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત સૌથી મોટો વૈશ્વિક મહોત્સવ વડોદરામાં યોજાવા જઈ રહ્યો છે. વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદય દ્વારા સ્થાપિત વૈષ્ણવ સંપ્રદાયની વિશ્વસ્તરીય સંસ્થા VYO (વલ્લભ યુથ ઓર્ગેનાઇઝર), જે હાલમાં વિશ્વના 15 દેશોમાં સક્રિય રીતે કાર્યરત છે, તેની 15 વર્ષની ઉજવણી તથા પુષ્ટિમાર્ગ ગુજરાતના સૌથી મોટા આધ્યાત્મિક કેન્દ્ર ‘ધામ’ સંકુલના 25 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યે આ ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ અવસરે આવનાર 21 થી 29 ડિસેમ્બર 2025 દરમિયાન વડોદરાના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે “ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ”નું ભવ્ય અને ઐતિહાસિક આયોજન કરવામાં આવશે. આ મહોત્સવ વૈષ્ણવ સંપ્રદાયના 550 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર આટલા વિશાળ વૈશ્વિક સ્તરે યોજાનાર સૌથી મોટો ઉત્સવ બનશે.
આ મહોત્સવમાં ભારત સહિત વિશ્વના વિવિધ દેશોમાંથી વૈષ્ણવો એક જ મંચ પર એકત્રિત થઈ આધ્યાત્મિકતા, સંસ્કૃતિ અને વૈષ્ણવ પરંપરાની એકતા અને ગૌરવનું દર્શન કરાવશે. આયોજકોના જણાવ્યા અનુસાર, આ મહોત્સવ વૈષ્ણવ સંપ્રદાય માટે માત્ર ઉત્સવ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પુષ્ટિમાર્ગની પ્રેરણા અને સંદેશ ફેલાવતો ઐતિહાસિક અવસર સાબિત થશે.

