આણંદ જિલ્લાના આંબાવ ગામમાં ભયજનક ઘટના સામે આવી છે, જેમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરવાના રોષે બે યુવકોને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. આ ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રોડના કામમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે રજૂઆત કરવાને લઈને આરોપીઓએ કેવલ પઢિયાર અને ભરત પઢિયાર પર હુમલો કર્યો હતો. આરોપ છે કે પહેલા બંનેને માર મારવામાં આવ્યો અને બાદમાં પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ઘટનામાં બંનેને ગંભીર દાઝની ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓ હાલ સારવાર હેઠળ છે.
ગંભીર ઇજાગ્રસ્ત ભરતભાઇ પઢિયારે વડોદરાની SSG હોસ્પિટલમાં આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, રોડના કામમાં ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ કરવાના કારણે તેમની સાથે મારામારી કરવામાં આવી. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે ગામના સરપંચ કોકિલાબેન પઢિયારે તેમનો હાથ પકડી રાખ્યો હતો અને સરપંચના પતિએ તેમને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ મામલે આંબાવ ગામના સરપંચ કોકિલા પઢિયાર સહિત ચાર લોકો સામે જીવલેણ હુમલા અને હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને વાયરલ વીડિયોને આધારે પણ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.
આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને રોષની લાગણી ફેલાવી છે, જ્યારે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનારાઓની સુરક્ષા અંગે પણ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

