વડોદરા જિલ્લાનાં સાવલી તાલુકામાં મંજુસર પોલીસ મથકે જપ્ત કરાયેલા કરોડો રૂપિયાના દારૂનો આજે સત્તાવાર નાશ કરવામાં આવ્યો હતો. અલગ–અલગ 13 ગુનાઓમાં ઝડપાયેલા ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની કુલ 25,941 બોટલો, જેઓની કિંમત અંદાજે ₹1,78,91,943 થાય છે, તેનો બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો.
આ કાર્યવાહી સાવલી પ્રાંત અધિકારી રોનક શાહની હાજરી અને દેખરેખ હેઠળ અમલમાં મૂકાઈ હતી. નશાબંધી વિભાગના અધિકારીઓ, વડોદરા ગ્રામ્ય પોલીસના નાયબ પોલીસ અધિક્ષક મિલન મોદી, મંજુસર પોલીસ મથકના પી.આઈ. વી.બી. ચૌહાણ, પોલીસ સ્ટાફ તેમજ નાયબ મામલતદારો ઉપસ્થિત રહ્યા હતા.
બુલડોઝર વડે દારૂની બોટલો નાશ કરવાની આ કાર્યવાહી દરમિયાન સુરક્ષાના તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં વધતા દારૂના ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ તંત્ર દ્વારા આ પગલું મહત્વપૂર્ણ ગણાઈ રહ્યું છે.

