વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ગુજસીટોક એક્ટ સહિત અનેક ગંભીર ગુનાઓમાં વોન્ટેડ રહેલા કુખ્યાત બુટલેગર અલ્પેશ ઉર્ફે અલ્પુ સિંધીને હરિયાણા રાજ્યના ગુડગાંવમાંથી ઝડપી પાડ્યો છે.
અલ્પુ સિંધી વર્ષ 2012થી વિદેશી દારૂનો જથ્થો વડોદરામાં લાવતો હતો અને તેના વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાયેલા છે. એપ્રિલમાં સીધી ગેંગના આઠ સભ્યો સામે ગુજસીટોકનો ગુનો દાખલ થયા બાદથી અલ્પુ ચાર મહિના સુધી નાસતો ફરતો હતો. તે સતત મોબાઇલ બદલતો અને રાજ્યો બદલીને રહેતો હોવાથી તેને શોધવું મુશ્કેલ બન્યું હતું.
પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર તથા અધિક પોલીસ કમિશ્નર ડૉ. લીના પાટીલના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે ટેકનીકલ અને હ્યુમન સોર્સ દ્વારા તેની હરકતો પર નજર રાખી તેને ગુડગાંવની પેંગેસ્ટ રહેતી જગ્યા પરથી કાબુમાં લીધો.
પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું છે કે તે વડોદરાના ફતેહગંજમાં ખુનની કોશીશ, વારસિયા પોલીસ સ્ટેશનમાં ગુજસીટોકનો ગુનો અને આણંદ જિલ્લાના વાસદ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના કેસમાં સંડોવાયેલ છે. હાલ તેને વધુ તપાસ માટે સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

