સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં મેલડી માતાના પ્રાગટ્ય દિવસની ભક્તિમય માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ અવસરે માંડવી સ્થિત મેલડી માતાના મંદિરે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી. “જય મેલડી મા”ના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
પ્રાગટ્ય દિવસ નિમિત્તે માતાજીની મૂર્તિનો મનોહર શૃંગાર કરવામાં આવ્યો હતો. દર્શન માટે દૂર-દૂરથી ભક્તો પગપાળા તેમજ સંઘ લઈને પહોંચ્યા હતા. માતાજી પ્રત્યેની અપાર શ્રદ્ધા દર્શાવતા ભક્તોએ કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આ ઉજવણીમાં ખાસ આકર્ષણ કેલનપુરના માઈ ભક્તોનું રહ્યું હતું. પરંપરાગત ભક્તિ સાથે આધુનિક અંદાજ અપનાવી તેમણે માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે કેક કાપીને જન્મોત્સવની અનોખી ઉજવણી કરી હતી, જેને લઈને ઉપસ્થિત ભક્તોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે મંદિર સમિતિ દ્વારા પ્રસાદ અને ભંડારાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મોડી સાંજ સુધી ભક્તોની ભીડ યથાવત રહી હતી અને સમગ્ર માંડવી વિસ્તાર મેલડી મય બની ગયો હતો.

