વડોદરા શહેરમાં આવનાર રવિવારે મહાશિવરાત્રીનો પર્વ ધામધૂમથી ઉજવાશે, જેને ધ્યાનમાં રાખીને શહેરના વિવિધ શિવ મંદિરો ખાતે વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. તહેવાર દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉમટવાની શક્યતા હોવાથી તેમજ એ જ દિવસે ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ પણ હોવાથી પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે.
પોલીસ કમિશનર નરસિંહ કોમરેના માર્ગદર્શન હેઠળ કોમ્યુનલ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પ્રેઝન્સ વધારવા સૂચના આપવામાં આવી છે. કોઈપણ અસામાજિક તત્વો દ્વારા શાંતિ ભંગ ન થાય તે માટે કડક નજર રાખવા તેમજ જરૂરી હોય ત્યાં સખ્ત કાર્યવાહી કરવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે.
આ અનુસંધાને ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા ગોરવા પોલીસ સ્ટેશનથી સહયોગ પોલીસ ચોકી, પંચવટી, મધુનગર, બાપુની દરગાહ, ઋષિનગર સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
પોલીસે એચએસએમસી સહિતની વ્યવસ્થાઓની પણ તપાસ કરી અને તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.
પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે મહાશિવરાત્રીનો પર્વ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ રીતે ઉજવે. સાથે જ ભારત-પાકિસ્તાન મેચના પરિણામને લઈને રોડ પર ભેગા થવું, ટ્રાફિક જામ કરવો અથવા જાહેર સ્થળોએ ઉતાવળભરી ઉજવણી ન કરવા સૂચના આપવામાં આવી છે. નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.

