વડોદરા શહેરના સૌથી વ્યસ્ત ગણાતા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આજે એક પોલીસ બસ ગરનાળામાં ફસાઈ જવાની ઘટના સામે આવી હતી. ગરનાળાની ઊંચાઈ ઓછી હોવાને કારણે બસનો ઉપરનો ભાગ છત સાથે અથડાયો હતો, જેના કારણે બસ વચ્ચે જ અટકી ગઈ હતી.
આ ઘટનાને પગલે રેલ્વે સ્ટેશનથી સયાજીગંજ અને અલકાપુરી તરફ જતા મુખ્ય માર્ગો પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. રસ્તો બ્લોક થઈ જતા ટુ-વ્હીલર સહિત અન્ય વાહનોની લાંબી કતારો લાગી હતી. ખાસ કરીને ટ્રેન પકડવા જઈ રહેલા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ઘટનાની જાણ થતા જ ટ્રાફિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. બસને બહાર કાઢવા માટે ટાયરમાંથી હવા ઓછી કરવાની તેમજ ક્રેનની મદદ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંદાજે અડધા કલાકથી એક કલાકની જહેમત બાદ વાહનવ્યવહાર ધીમે ધીમે પૂર્વવત કરવામાં આવ્યો હતો.

