નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિઓ પર રોક લગાવી શકાય તે હેતુથી પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. 31 ડિસેમ્બરના અનુસંધાને શહેર, તાલુકા તેમજ જિલ્લા એલસીબી પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શહેર અને ગ્રામ્ય વિસ્તારને જોડતા સેવાસી ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ચેકિંગ દરમિયાન ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનચાલકોને રોકી બ્રેથ એનાલાઇઝર દ્વારા સ્થળ પર જ શ્વાસ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. દારૂ પીને વાહન ચલાવતા ઝડપાયેલા ચાલકો સામે તાત્કાલિક દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પોલીસ દ્વારા માત્ર વાહન દસ્તાવેજો જ નહીં પરંતુ તમામ વાહનચાલકોના સામાનનું પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી દારૂ, નશીલા પદાર્થો અથવા કોઈ શંકાસ્પદ વસ્તુઓની હેરાફેરી અટકાવી શકાય.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે નાગરિકોની સુરક્ષા જાળવવી અને નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ રીતે થાય તે પોલીસ તંત્રનો મુખ્ય હેતુ છે. આ માટે આવનારા દિવસોમાં પણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આવા ચેકિંગ અભિયાન વધુ કડક બનાવવામાં આવશે.

