વડોદરા: તરસાલી–વડદલા રોડ પર આવેલી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ હાઇસ્કુલમાં આજે ગંભીર ઘટના સામે આવી છે. દારૂના નશામાં સ્કૂલમાં હાજર રહી વિદ્યાર્થીઓને ભણાવનાર શિક્ષકને વાલીઓના વિરોધ બાદ પોલીસે કસ્ટડીમાં લીધો છે.
મળી રહેલી માહિતી મુજબ, શિક્ષક વિનોદ બારીયા દારૂ પીધેલી હાલતમાં સ્કૂલમાં આવ્યા હતા અને વિદ્યાર્થી–વિદ્યાર્થીનીઓને પાઠ ભણાવતા હતા. નશાની અસર હેઠળ તેમણે કેટલીક વિદ્યાર્થીનીઓ સાથે અભદ્ર વર્તન અને ખોટી શેરશાણી કરી હોવાનો વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
ઘટનાની જાણ થતાં જ સ્કૂલ સંચાલક તથા સ્ટાફે તરત જ કપૂરાઈ પોલીસ સ્ટેશનમાં સંપર્ક કર્યો હતો. પોલીસ તાત્કાલિક સ્કૂલ ખાતે પહોંચી શિક્ષકને કસ્ટડીમાં લઈ ગઈ હતી.
આ મામલે ઉગ્ર આવેલ વાલીઓ પોતાની બાળકીઓ સાથે મોટી સંખ્યામાં કપૂરાઈ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને સંદિગ્ધ શિક્ષક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
વાલીઓના જણાવ્યા મુજબ, શિક્ષક વિનોદ બારીયા છેલ્લા ઘણા સમયથી સ્કૂલમાં નશાની હાલતમાં આવતા હોવાની ચર્ચા ચાલી રહી હતી. પરંતુ આજે વિદ્યાર્થીનીઓ સાથે થયેલા કથિત અભદ્ર વર્તન બાદ વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે.

