વડોદરાની ઐતિહાસિક ધરોહર માંડવી દરવાજાની જર્જરિત હાલત જોઈને તેના સમારકામ માટે પૌરાણિક વિઠ્ઠલજી મંદિરના પૂજારી હરિઓમ વ્યાસે માંડવી દરવાજાનો સમારકામ ન થાય ત્યાં સુધી ઉઘાડા પગે ફરવાનો પ્રણ લીધો હતો. એ વાતને આજે 100 દિવસ પૂર્ણ થયા છતાં માંડવી દરવાજાનું સમારકામ શરૂ થયું નથી. જેને લઈને કોંગ્રેસ દ્વારા પૂજારી હરિઓમ વ્યાસને સુતરની આંટી આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરની ખ્યાતી સમાન ચાર દરવાજા અને તેમાંય ખાસ માંડવી દરવાજો ખૂબ મહત્વનો છે. તંત્રની ઘોર બેદરકારીના કારણે છેલ્લા ઘણા સમયથી માંડવી દરવાજાના કાંકરા ખરી રહ્યા છે. આવી સ્થિતિમાં તંત્ર દ્વારા સમારકામ કરવાને બદલે માત્ર ટેકા મૂકીને દરવાજાને ટકાવી રાખ્યો છે. જે તે સમયે જર્જરિત હાલત જોઈને નજીકમાં આવેલા વિઠ્ઠલજી મંદિરના પૂજારી હરિઓમ વ્યાસ દ્વારા જ્યાં સુધી માંડવી દરવાજાનું સમારકામ પૂર્ણના થાય ત્યાં સુધી ખુલ્લા પગે ફરવાની બાધા લીધી હતી.આવી ઘોર તપસ્યાના પ્રણ લીધા બાદ પણ માંડવી દરવાજાનું સમારકામ શરૂ કરવામાં તંત્રને સમય લાગી રહ્યો છે. હરિ ઓમ વ્યાસના લીધેલા ત્રણને આજે 100 દિવસ પૂર્ણ થતા કોંગ્રેસ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને પાલિકાના શાસકોની નિષ્કાળજી સામે આકરા પ્રહારો કર્યા હતા.

