વડોદરા મહાનગર કોર્પોરેશન દ્વારા શહેરના ચાર રસ્તાઓ પર લગાવવામાં આવેલા રોડ સેફટી ડીલીનેટર ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. ટ્રાફિક વ્યવસ્થા સુધારવાના હેતુથી લગાવવામાં આવેલા આ ડીલીનેટર હવે લોકોને મુશ્કેલીનું કારણ બન્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
વડોદરા શહેરમાં ઠેર ઠેર ચાર રસ્તાઓ પર મહાનગર કોર્પોરેશન દ્વારા રોડ સેફટી ડીલીનેટર લગાવવામાં આવ્યા છે, પરંતુ જાણે આંખ બંધ કરીને આ ડીલીનેટર લગાવવામાં આવ્યા હોય તેવો દ્રશ્ય સર્જાયો છે.
શહેર પહેલેથી જ ભ્રષ્ટાચારના આક્ષેપોથી ચર્ચામાં છે, ત્યારે ફરી એકવાર આ ડીલીનેટર લગાવવાની કામગીરીએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.
ખાસ કરીને સોમા તળાવ ચાર રસ્તા પર લગાવવામાં આવેલા ડીલીનેટર લોકોને ગુંચવણમાં મૂકે છે. અહીં કોઈપણ વાહન ચાલકને સ્પષ્ટતા નથી કે કયા માર્ગેથી પસાર થવું. બીજી બાજુ ડભોઇ, બોડેલી અને છોટાઉદેપુર તરફ જતા ખાનગી પેસેન્જર વાહનો સોમા તળાવ ચાર રસ્તા પર અઢીંગો જમાવીને ઉભા રહે છે.
ટ્રાફિક ભરણ ઘટાડવાના પ્રયાસો વચ્ચે ખાનગી વાહનચાલકોની દાદાગીરી સામે આવી છે. જ્યાં ડીલીનેટર લગાવવામાં આવ્યા છે, ત્યાં જ વાહનો પાર્ક કરીને રસ્તો સંપૂર્ણપણે અવરોધી દેવામાં આવે છે, જેના કારણે અન્ય વાહનો પસાર થઈ શકતા નથી.
શહેરમાં નાના દબાણો સામે તંત્ર કાર્યવાહી કરે છે, પરંતુ આ પ્રકારના મોટા દબાણો સામે કોર્પોરેશન અને પોલીસ કેમ મૌન છે તે અંગે લોકોમાં ચર્ચા છે. સ્થાનિકોમાં એ પણ ચર્ચા ચાલી રહી છે કે આ ખાનગી વાહનો પાસેથી પોલીસ દ્વારા હપ્તાખોરી કરવામાં આવી રહી છે.
લોકોની સ્પષ્ટ માંગ છે કે સોમા તળાવ ચાર રસ્તા પર યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા કરવામાં આવે, ગેરકાયદેસર પાર્કિંગ દૂર કરવામાં આવે અને રોડ સેફટીના નામે કરવામાં આવતી બેદરકારી સામે કડક કાર્યવાહી થાય, જેથી અકસ્માતોના બનાવો અટકાવી શકાય.

