33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

લોકો અને જમીનના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા છોટાઉદેપુર જિલ્લાના તમામ ખેડૂતોને સમસિંગભાઈનો અનુરોધ

વચલીભીંત ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રાકૃતિક ખેતીમાં હળદર અને મરચાંના આંતરપાક થકી મેળવી રહ્યા છે સારું ઉત્પાદન

“પ્રાકૃતિક ખેતીથી પાકતું અનાજ શાકભાજી સ્વાસ્થ્ય માટે સારું છે, અત્યારના સમયમાં ખાવાની બધી જ વસ્તુઓ રસાયણિક ખાતરથી પકવેલી હોય છે જેના કારણે અનેક અવનવા રોગો થાય છે, ત્યારે જો તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તો આપણી સાથે આપણા રાજ્ય અને દેશના લોકોનું પણ સ્વાસ્થ્ય સારું થાય” આ શબ્દો છે છોટાઉદેપુર તાલુકાના વચલીભીંત ગામના પ્રગતિશીલ ખેડૂત સમસિંગભાઈ રાઠવાના કે જેઓ છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવીને પોતાના અને અન્ય લોકોના સ્વાસ્થ્ય ઉપરાંત પ્રકૃતિના સંરક્ષણમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.

સમસિંગભાઈ આશરે ૪૫ વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે. પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી તે પહેલા તેઓ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓથી પરંપરાગત ખેતી કરતા હતા. વડતાલ ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને સુભાષ પાલેકરની ઉપસ્થિતિમાં યોજાયેલ શિબિરમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી હતી. જ્યાર તેમણે ખેતીમાં રાસાયણિક ખાતર કે કોઈ પણ પ્રકારની રાસાયણિક દવાનો ઉપયોગ ન કરવાના શપથ લીધા અને ત્યારથી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરે છે.

એક મુલાકાત દરમિયાન સમસિંગભાઈએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીનના પોષકતત્વોમાં વધારો થાય છે જેથી જમીનની ગુણવત્તા જળવાઈ રહે છે. જમીન પોચી બને છે. છોડમાં કોઈનો પ્રકારનો રોગ આવતો નથી.હું છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું. આ વર્ષે મેં હળદર, આદુ, મરચાં અને મગફળીનું વાવેતર કર્યું છે, જેમાં હળદર અને મરચાંનું આંતરપાક તરીકે વાવેતર કર્યું છે. પાકની વાવણી સમયે ગૌમુત્ર, ગાયનું છાણ અને ખાવાના ચુનાનું મિશ્રણ કરી બીજામૃત બનાવી બીજ પર ચડાવ્યા બાદ વાવણી કરીએ છીએ જેથી છોડમાં કોઈ રોગ ના આવે. વાવણી બાદ હળદર, મરચા અને આદુ આ તમામ પાકમાં ઝાડના પાંદડાઓનું આચ્છાદન કરીએ છીએ. આચ્છાદન કરવાથી જમીનમાં ભેંજ જળવાઈ રહે છે, નીંદણ ઊગતું નથી અને જમીન પોચી બને છે. આ ઉપરાંત પાંદડાનું આચ્છાદન કરવા માટે શેઢા પાળા પર ઉગતા વૃક્ષોના પાંદડાઓનો ઉપયોગ કરીએ છીએ જેથી કરીને કોઈ ખર્ચ આવતો નથી.

તેમણે પાકમાં રોગ નિયંત્રણ અંગે જણાવ્યું હતું કે, પાકમાં કોઈ રોગ કે જીવાત આવે તો નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્ન્યસ્ત્ર, દશપર્ણી અર્ક વગેરેનો છંટકાવ કરીએ છીએ. આ ઉપરંત હળદરના પાકમાં આવતી ફૂગ માટે ખાટી છાશ, ગાયનું છાણ અને ગૌમૂત્ર મિક્સ કરીને છંટકાવ કરીએ છીએ અને મરચીમાં થીપ્સના નિવારણ માટે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને અગ્નિસ્ત્રનો છંટકાવ કરીએ છીએ.

સમસિંગભાઈએ પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય છે તેમ જણાવીને વધુમાં ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગમાં લેવામાં આવતી ગાયના નિભાવ ખર્ચ પેટે સરકાર દ્વારા પ્રતિ ગાય પ્રતિ માસ રૂ. ૯૦૦ લેખે સહાય પણ ચુકવવામાં આવે છે. જેથી વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહન મળે. તેમણે લોકો અને જમીનના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા છોટાઉદેપુર જિલ્લાના તમામ ખેડૂતોને અનુરોધ કર્યો છે.

સમસિંગભાઈ તેમના ખેતરમાં પ્રાકૃતિક ખેતીથી હળદર, આદુ, મરચાં, મગફળી, તુવેર ઉપરાંત વિવિધ શાકભાજીનું પણ વાવેતર કરીને સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. આ ઉપરાંત તેઓ હળદર અને મરચાનો પાવડર બનાવીને પણ ઘરેથી વેચાણ કરે છે જેથી વધારાની આવક મળી રહે. તેમના દ્વારા ઉત્પાદિત થતી તમામ ખેત પેદાશો રેફરન્સથી જ વેચાય જાય છે. સમસિંગભાઈ ખેતી ઉપરાંત પશુપાલનનો પણ વ્યવસાય કરે છે.

જમીનને બંજર થતી અટકાવવા તથા સ્વાસ્થ્યપ્રદ ખેત પેદાશો માટે તમામ ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી તે ઇચ્છનીય છે.

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

MP માંથી ગુજરાત રાજ્યમાં સ્કોર્પીયો ગાડીમાં લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂનો કુલ કિ.રૂ. ૨,૮૬,૩૫૦/- નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડતી કવાંટ પોલીસ

admin

છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના પગલે જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજતા પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમાર

admin

નસવાડી પબ્લિક પ્રાયમરી સ્કૂલમાં ધમાકેદાર સ્પોર્ટ્સ ડેની ઉજવણી

admin

Leave a Comment