વડોદરા શહેરની ગોલ્ડન ચોકડી નજીક ટ્રેલર અને એક્ટિવા ચાલક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા ચાલક 18 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, ટ્રેલર અમદાવાદથી સુરત તરફ જતી માર્ગ પર હતું ત્યારે ગોલ્ડન ચોકડી નજીક એક્ટિવા સાથે અથડામણ થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે એક્ટિવા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેનું મોત થયું હતું.
મૃતક યુવક વડોદરા શહેરના છાણી વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને ટ્રેલર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આ અકસ્માતને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

