વડોદરામાં ડોર-ટુ-ડોર ગાડીઓનો દુરુપયોગ બહાર : યુથ કોંગ્રેસ પ્રમુખે પકડી પાડી હેરાફેરી, પાલિકાને કાર્યવાહી કરવાની માંગ
વડોદરા : શહેરને સ્વચ્છ રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ડોર-ટુ-ડોર કચરાગાડીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. પરંતુ કોન્ટ્રાક્ટ મળ્યા બાદ કેટલીક ડોર-ટુ-ડોર ગાડીઓનો ઉપયોગ કચરો એકત્રિત કરવાને બદલે ખાનગી કંપનીઓના સામાનની હેરાફેરી માટે થતો હોવાનો ગંભીર ખુલાસો થયો છે.
આ પગલે શહેરના વેરાના કરોડો રૂપિયાના ખર્ચનો દુરુપયોગ થતો હોવાનો આરોપ ઉભો થયો છે, તેમજ શહેરની સ્વચ્છતા પ્રણાલી ઉપર પણ પ્રશ્નચિહ્ન ઉભું થયું છે.
આજે વડોદરા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તાએ પૂર્વ વિસ્તારમાં પરિસ્થિતિને રંગેહાથ પકડી હતી. ડોર-ટુ-ડોર ગાડીમાં ખાનગી કંપનીનો માલ ભરેલો મળી આવતાં તેમણે ગાડીને રોકી લઈ પાલિકા અધિકારીઓને માહિતી આપી.
પવન ગુપ્તાએ મહાનગરપાલિકાને રજૂઆત કરી છે કે આવા કોન્ટ્રાક્ટરોએ જાહેર નાણાંનો ગેરઉપયોગ કર્યો હોવાને કારણે તાત્કાલિક સખ્ત કાર્યવાહી કરવી જોઈએ અને આવા દુરુપયોગ પર કડક નિયંત્રણ લાવવામાં આવે.

