નસવાડી ખાતે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ “આપણી સરકાર આપના દ્વાર” અભિયાન અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ નસવાડી સેવા સદન ખાતે યોજાયો હતો, જેમાં નસવાડી તાલુકાના 43 ગામોના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં નસવાડી ઇન્ચાર્જ મામલતદાર, તાલુકા પ્રમુખ તેમજ ભાજપાના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સેવા સેતુ કાર્યક્રમ હેઠળ એક જ સ્થળે આશરે 55 પ્રકારની સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. અલગ-અલગ વિભાગોના સ્ટોલ દ્વારા લોકોને સ્થળ પર જ આવકના દાખલા, જાતિના પ્રમાણપત્ર, આધાર કાર્ડ સંબંધિત કામગીરી, રેશનકાર્ડ સુધારા તેમજ પેન્શન યોજનાઓ સહિતની સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો.
સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે નહીં અને લોકોને ઘરઆંગણે જ સરકારી સુવિધાઓ મળી રહે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એક જ છત નીચે વિવિધ સેવાઓ મળતા ગ્રામજનોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન અધિકારીઓ દ્વારા અરજીઓ સ્વીકારીને ઘણી સેવાઓનો ત્વરિત નિકાલ પણ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારની યોજનાઓ લોકો સુધી સરળતાથી પહોંચે તે માટે સેવા સેતુ કાર્યક્રમ મહત્વપૂર્ણ સાબિત થયો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

