વડોદરા : વડોદરા મહાનગર પાલિકાના વર્ષ 2026–27 માટેના ડ્રાફ્ટ બજેટને સ્થાયી સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. કમિશનરે શરૂઆતમાં 7609.63 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કર્યું હતું, જેમાં ચર્ચા બાદ વધારાની જોગવાઈ કરીને 7672.71 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. હવે આ બજેટ સામાન્ય સભામાં અંતિમ મંજૂરી માટે રજૂ કરવામાં આવશે.
સ્થાયી સમિતિમાં લેવાયેલા મહત્વના નિર્ણયોમાં મિલકતની યોગ્ય આકારણી કર્યા બાદ જ સી.સી. (Completion Certificate) આપવાની અને તે પહેલાં વેરા વસૂલ કરવાની જોગવાઈ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. ઉપરાંત, વડોદરા મહાનગર પાલિકાના વેરા બિલમાં ક્યુઆર કોડ (QR Code)ની સુવિધા ઉભી કરવા પણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી નાગરિકો સરળતાથી ડિજિટલ ચુકવણી કરી શકે.
શહેરમાં વિવિધ સ્થળોએ પિંક ટોયલેટ અને પિંક ફીડિંગ રૂમ બનાવવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ પાલિકામાં સ્પોર્ટ્સ પોલિસી અમલમાં મૂકવા અંગે પણ વિચારણા કરવામાં આવી છે.
આ ઉપરાંત, આવનારા ત્રણ વર્ષમાં વડોદરાને “સ્લમ ફ્રી સિટી” બનાવવાનું આયોજન જાહેર કરવામાં આવ્યું છે. નવા પાણીના સ્ત્રોતો ઊભા કરવા માટે અંદાજે 800 કરોડ રૂપિયાનું ફંડ ફાળવવામાં આવશે, જ્યારે પાલિકાના નવા મુખ્યાલય બિલ્ડિંગ માટે 150 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
આ ડ્રાફ્ટ બજેટ હવે સામાન્ય સભામાં ચર્ચા બાદ આખરી મંજૂરી મેળવશે.

