વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ પૂજ્ય રવિશંકર મહારાજ કુમાર છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓએ ભોજન અને સ્વચ્છતા મુદ્દે ભારે વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાતના વિવિધ શહેરોમાંથી અભ્યાસ માટે આવેલા વિદ્યાર્થીઓ દ્વારા આ છાત્રાલયમાં ચાલી રહેલી અવ્યવસ્થાને લઈને હોબાળો મચાવ્યો હતો.
વિદ્યાર્થીઓના આક્ષેપ મુજબ છેલ્લા બે દિવસથી ગેસ સિલિન્ડર ન હોવાને કારણે રસોઈ બંધ હતી, જેના કારણે તેમને સમયસર અને યોગ્ય ભોજન મળતું ન હતું. આ પરિસ્થિતિને કારણે વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો.
આ ઉપરાંત, કિચનમાં સ્વચ્છતાનો પણ અભાવ હોવાનું સામે આવ્યું છે. લોટ અને શાકભાજીમાં જીવાતો તથા કોક્રોચ જોવા મળતા વિદ્યાર્થીઓએ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. ભોજનની ગુણવત્તા અને હોસ્ટેલની વ્યવસ્થાને લઈને વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી.
ઘટનાની જાણ થતાં નિલેશ રાઠોડ સ્થળ પર પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે હોસ્ટેલના ફૂડ ક્વોલિટીનું નિરીક્ષણ કરીને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અને તેમની સમસ્યાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.
પૂર્વ મેયર નિલેશ રાઠોડે આ મુદ્દાને સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને તાત્કાલિક યોગ્ય ભોજન અને સુવિધાઓ મળી રહે તે માટે પગલાં લેવામાં આવશે.
હાલ વિદ્યાર્થીઓની મુખ્ય માંગ છે કે હોસ્ટેલમાં તાત્કાલિક ગેસ સિલિન્ડર તથા જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે અને ભોજનની ગુણવત્તા તેમજ સ્વચ્છતા સુધારી તેમની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે.

