વડોદરા વાડી વિસ્તારમાં રહેતા ભાવિક મહેશ્વરીનો આજે મૃતદેહ પોલીસ એસ્કોટીંગ સાથે લાવવામાં આવ્યો હતો. આ સહિત બીજા ચાર વ્યક્તિઓના પણ મૃતદેહ વડોદરા લાવવામાં આવ્યા હતા. આ તમામની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં વિસ્તારના રહીશો સામાજિક આગેવાનો સહિત રાજકીય મહાનુભાવો પણ જોડાયા હતા.
લંડનથી વડોદરા આવી ભાવિકે સગાઈ કરી હતી. પરત લંડન જતી વખતે પ્લેન ક્રેશમાં તેનું મોત થયું હતું.આજે તેનો મૃતદેહ આવતા સમગ્ર વાડી વિસ્તાર હિબકે ચડ્યો હતો.ભાવિકની અંતિમ યાત્રામાં પૂર્વ ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જેમ-જેમ DNA મેચ થતા જાય છે, તેમ તેમ મૃતકોના પાર્થિવ દેહ તેમના વતન પહોંચી રહ્યા છે અને વતનમાં મૃતદેહ પહોંચતાજ ગમગીની, શોક, રૂદન અને આક્રંદનો માહોલ છવાઈ જઈ રહ્યો છે. ત્યારે, રવિવારે વડોદરા શહેરના પાંચ મૃતકોના મૃતદેહ પોલીસ એસ્કોટિંગ સાથે તેમના નિવાસ્થાને લવાયા હતા. અમદાવાદમાં ગુરૂવારે સર્જાયેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોના મૃતદેહોની ઓળખ ડીએનએ ટેસ્ટ દ્વારા થઈ રહી છે.તેમ તેમ મૃતકોના મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે.

