વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી અને વિકસિત વડોદરાની વાતો કરાતી હોવા છતાં શહેરના પૂર્વ વિસ્તારમાં ગટર તથા પાણીની સમસ્યાએ સ્થાનિકોને ત્રાહિમામ પોકારી દીધા છે. વાડી વિધાનસભા ક્ષેત્રના ઇલેક્શન વોર્ડ નંબર 4માં આવેલા મહાકાળી વુડા મકાન વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી ગટરો ઉભરાવાની સમસ્યા યથાવત હોવાથી રહીશો ભારે પરેશાન છે.
સ્થાનિકોના આક્ષેપ મુજબ, વારંવાર રજૂઆત છતાં કાઉન્સિલર પિન્કીબેન સોની તથા અજીત દાધીચ કોઈ કાર્યવાહી કરતા નથી. રહીશોનું કહેવું છે કે “વોટ લેવા માટે તો રાત–દિવસ અમારે ઘેર આવનારા નેતાઓ આજે ગટર અને પાણીની સમસ્યામાં અમારી પૂછપરછ કરવા પણ આવતા નથી.”
ગતરોજ મહિલાઓનો મોરચો સીધો વહીવટી વોર્ડ નંબર–4ની ઓફિસે પહોંચ્યો હતો, જ્યાં મહિલાઓએ હલાબોલ કરતા કોર્પોરેટરો વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. લાંબા સમયથી ચાલતી સમસ્યાને કારણે લોકોમાં ભારે નારાજગી વ્યાપી છે અને તંત્રે તાત્કાલિક કામગીરી કરે તેવી માગ ઉઠી રહી છે.

