Genius Daily News
નર્મદા જિલ્લો

ઉમરગામથી શરૂ થયેલી જનજાતિય ગૌરવ યાત્રા નર્મદા સુગર ફેકટરી ધારીખેડા ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું

ભગવાન બિરસા મુંડાએ માત્ર ૨૫ વર્ષની ઉંમરે અંગ્રેજો સામે લડત આપી આદિવાસી સમાજને એકતા અને ગૌરવની દિશા બતાવી- રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડો. જયરામભાઈ ગામીત

દેશના વારસાને જાળવી રાખવામાં ભગવાન બિરસા મુંડાનું યોગદાન અતિ મહત્વપૂર્ણ રહ્યું છે- ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ

રાજપીપલા, બુધવાર:- ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની રાજ્યમાં ‘જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી છે, જેના ભાગરૂપે તા. ૧૨ નવેમ્બરના રોજ નર્મદા સુગર ફેકટરી ધારીખેડા ખાતે જનજાતિય ગૌરવ રથ યાત્રા આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રમત ગમત, યુવા સાંસ્કૃતિક વિભાગ રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડો. જયરામભાઈ ગામીતના અધ્યક્ષતામાં અને ગુજરાત વિધાનસભા નાયબ દંડક ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ ખાસ ઉપસ્થિતિ ઉજવાયો હતો.

આ વેળાએ રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડો. જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ગૌરવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન બિરસા મુંડાએ માત્ર ૨૫ વર્ષની ઉંમરે અંગ્રેજો સામે લડત આપી આદિવાસી સમાજને એકતા અને ગૌરવની દિશા બતાવી હતી. તેમણે સમાજમાં શિક્ષણનો પ્રચાર, અંધશ્રદ્ધાનો વિરોધ અને સામાજિક એકતા માટે અનેક ચળવળો શરૂ કરી હતી. તેથી તેમને “ધરતી આબા” તરીકે ઓળખવામાં આવે છે.

વધુમાં જણાવ્યું કે, દેશની આઝાદી માટે મહત્વપૂર્ણ યોગદાન આપનાર એવા આદિવાસી લડવૈયાઓની સ્મૃતિમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના સમયગાળામાં બિરસા મુંડા ભવનનું નિર્માણ કરાવ્યું હતું. તેવી જ રીતે, નર્મદા જિલ્લામાં પણ ભગવાન બીરસા મુંડાના નામે યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે, જ્યાં આદિવાસી સમાજના યુવાનોને ઘરઆંગણે ઉચ્ચ શિક્ષણની તક મળશે.

વડાપ્રધાનશ્રીના “સબકા સાથ, સબકા વિકાસ”ના સૂત્રને અનુરૂપ રીતે આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા લઈને યુવાનો પણ રાષ્ટ્રની સેવા અને સમાજ વિકાસ માટે આગળ આવે, એ હેતુસર આ ગૌરવયાત્રા શરૂ કરવામાં આવી છે.

ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે ભગવાન બિરસા મુંડાના જીવન અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાએ અંગ્રેજોના શાસન સામે આદિવાસી સમાજને એકતાબદ્ધ કરીને લડત આપી હતી. તેમણે આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને ધર્મનું જતન કરી સમાજમાં “આપણું રાજ આપણા દેશમાં” એવો સ્વાભિમાનનો ભાવ જગાવ્યો હતો. ભગવાન બિરસા મુંડાએ સમાજજાગૃતિ માટે અનેક આંદોલનો ચલાવી અંધશ્રદ્ધા અને અન્યાય સામે જનચેતના ફેલાવી હતી.

વધુમાં જણાવ્યું હતું કે, દેશના વારસાને જાળવી રાખવામાં ભગવાન બિરસા મુંડાનું યોગદાન અતિ મહત્વપૂર્ણ રહ્યું છે. આદિવાસી સમાજના ઇતિહાસ અને ગૌરવને ઉજાગર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં “જનજાતીય ગૌરવ દિવસ”ની ઉજવણી કરવામાં આવી રહી છે.

કાર્યક્રમની શરૂઆતમાં ગાંધીનગરના નાટ્ય કલાકારો દ્વારા  ભગવાન બિરસા મુંડાના જીવન પર નાટ્યકૃતિ રજૂ કરવામાં આવી હતી. જ્યારે સ્થાનિક કલાકારો દ્વારા આદિવાસી નૃત્ય રજુ કરવામાં આવ્યા હતાં.

જનજાતિય ગૌરવ યાત્રા કાર્યક્રમ દરમિયાન નાંદોદ તાલુકાની અકુવાડા ગ્રામ પંચાયતમાં અંદાજિત રકમ  ૨૪.૩૦ લાખના ખર્ચે ૧૯ જેટલા કામોનું ખાતમુહૂર્ત થયું અને અંદાજિત રકમ ૫૯.૧૬ લાખના ખર્ચે ૪૪ જેટલા કામોનું લોકાર્પણ થયું.

કાર્યક્રમ દરમિયાન જનજાતિય ગૌરવ યાત્રા નિમિત્તે શાળાઓમાં યોજાયેલ  સ્પર્ધાઓ તથા રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર રમતવીરોને પ્રશસ્તી પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે વિવિધ યોજનાકીય લાભો વિતરણ કરાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, તા. ૭ નવેમ્બરે ૨૦૨૫ ના રોજ ઉમરગામથી પ્રારંભાયેલી જનજાતિય ગૌરવ યાત્રા તા.૧૩ મી નવેમ્બરના રોજ એકતાનગર ખાતે સમાપન થશે.

આ કાર્યક્રમમાં શ્રી નર્મદા સુગર ધારીખેડા અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઇ પટેલ, આદિજાતી મોરચાના પ્રમુખ શ્રી અર્જુનભાઈ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી વનિતાબેન વસાવા, અગ્રણીશ્રી વિક્રમ તડવી, અરવિંદભાઈ, મામલતદાર શ્રીમતી પદમાબેન ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી શ્રી પઢાણભાઈ, જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સહિત અન્ય પદાધિકારીશ્રીઓ, મહાનુભાવો અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નર્મદા જિલ્લાના એકતાનગરની મુલાકાત લીધી

admin

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એકતાનગર ખાતે રૂ. ૧૮.૬૮ કરોડના ખર્ચે નવનિર્મિત બોન્સાઈ ગાર્ડનની મુલાકાત લીધી

admin

ડેડીયાપાડા તાલુકા વિકાસ અધિકારીની મહેનતના કારણે મનરેગા યોજના રોજીરોટી આપવામાં ડેડીયાપાડા સમગ્ર ગુજરાતમાં આગળ

admin

Leave a Comment