ઉત્તરાયણને અંતર જ ઓછું બાકી હોય ત્યારે વડોદરા શહેર પોલીસે પતંગોત્સવ દરમિયાન જાનહાનિ અટકાવવાના હેતુસર મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. શહેરમાં પ્રતિબંધિત અને ગ્લાસ કોટેડ દોરાના વેચાણ-ખરીદી તેમજ વપરાશ પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પોલીસ મુજબ, છેલ્લા એક મહિનામાં પ્રતિબંધિત દોરીનું વેચાણ કરતા અનેક શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. કામગીરી દરમિયાન ગ્લાસ કોટેડ દોરા, ચાઈનીઝ દોરા, તુક્કલ અને ગ્લાસ પાવડર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ સમયગાળા દરમિયાન કુલ 42 કેસ દાખલ કરવામાં આવ્યા છે અને રૂ. 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત થયો છે. તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસે પતંગ-દોરીના વેપારીઓ સાથે બેઠક યોજી તેમને કડક સૂચનાઓ આપી છે કે પ્રતિબંધિત દોરા રાખવા કે વેચવા અંગે ઝીરોટેન્સ પોલિસી અપનાવવામાં આવશે. કોઈપણ પ્રકારના ગેરકાયદેસર સ્ટોક મળે તો તરત જ કાર્યવાહી થશે.
ઉત્તરાયણ દરમિયાન નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસે ચેતી જવાની સાથે સતત ચેકિંગ અને મોનીટરીંગ પણ શરૂ કરી દીધું છે.

